
‘ટિકટોક’ના ભારતીય અવતાર તરીકે ચર્ચામાં આવેલી શોર્ટ વીડિયો એપ્લિકેશન ‘મિત્રોં’એ ગૂગલ પ્લે સ્ટોર પર ધૂમ મચાવી છે. લૉન્ચ થયાના માત્ર બે જ મહિનામાં તે 1 કરોડથી પણ વધુ વખત ડાઉનલોડ થઈ છે. સ્વાભાવિક પણે જ ભારતમાં ચાલી રહેલી ચીન વિરોધી લહેરનો તેને જબરદસ્ત ફાયદો મળ્યો છે. ગૂગલ પ્લે સ્ટોર પર આ એપને 5માંથી 4.5 રેટિંગ મળ્યું છે. અગાઉ આ એપ જોકે પાકિસ્તાની ડેવલપર પાસેથી સોર્સ કોડ ખરીદીને વિકસાવાઈ હોવાના આરોપો લાગ્યા હતા. પરંતુ ‘મિત્રોં’ એપના સ્થાપકો શિવાંક અગ્રવાલ અને અનિશ ખંડેલવાલે પોતાની એપના સોર્સ કોડ મુદ્દે મૌન સેવ્યું છે.
‘વોકલ ફોર લોકલનું એક્ઝામ્પલ’
પોતીની એપના એક કરોડ ડાઉનલોડ પ્રસંગે આ એપ દ્વારા સત્તાવાર પ્રેસ રિલીઝ બહાર પાડીને તેની સફળતાને ‘વોકલ ફોર લોકલ’ની ગૌરવપૂર્ણ સફળતામાં ખપાવી હતી.
પ્રાઈવસી પોલિસી
લોન્ચ થયાના એક જ મહિનામાં પચાસ લાખ વખત ડાઉનલોડ થનારી મિત્રોં એપને ગૂગલની સિસ્ટમે સ્પેમ ગણાવીને ગયા મહિને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી. પરંતુ ગણતરીના સમયમાં જ આ એપ પ્લે સ્ટોર પર પાછી આવી ગઈ હતી. શરૂઆતમાં મિત્રોં એપમાં યુઝર્સના ડેટાની સિક્યોરિટીને લઈને પણ ખાસ્સા વિવાદ થયા હતા. અમુક સાયબર સિક્યોરિટી એક્સપર્ટે એવી ચેતવણી આપી હતી કે મિત્રોં એપમાં એવી ખામી છે જેનાથી યુઝર્સના ડેટાનો દુરુપયોગ થઈ શકે છે. તેને કારણે ભાંગફોડિયાં તત્ત્વો યુઝર્સને બદલે કમેન્ટ કરી શકે છે અને અન્ય લોકોને ફોલો પણ કરી શકે છે. જોકે હવે ગૂગલ પ્લે સ્ટોર પર મિત્રોં એપની સાથે ડિટેઈલમાં પ્રાઈવસી પોલિસીનું પેજ પણ ઉમેરાઈ ગયું છે, જેમાં તે યુઝર્સનો ડેટા સલામત રાખવાનું અને ભારતીય IT ACT પ્રમાણેના કાયદાનું પાલન કરવાનું વચન આપે છે.
મિત્રોં એપ પાકિસ્તાની અને ટિકટોકની કોપી છે?
આ બંને આરોપ મિત્રોં એપ પર સતત લાગતા રહ્યા છે. અલગ અલગ મીડિયાને આપેલી મુલાકાતોમાં મિત્રોંના ફાઉન્ડર્સ આ મુદ્દે સ્પષ્ટતા કરતા રહ્યા છે. તેમનું કહેવું છે કે મિત્રોં એપના લાયસન્સ્ડ કોડ અને ટેમ્પલેટ તેમણે ઓસ્ટ્રેલિયન કંપની ‘Envato’ પાસેથી ખરીદ્યા હતા. તેમના કહેવા પ્રમાણે તેમણે શરૂઆતનું ટેમ્પલેટ અને ડેવલપરનું ઓરિજિન ક્યારેય દર્શાવ્યું નહોતું. રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાનની Qboxus નામની સોફ્ટવેર ડેવલપર કંપનીએ પણ આ જ ઓસ્ટ્રેલિયન કંપની પાસેથી કોડ ખરીદીને TicTic નામની એપ બનાવી હતી. કરન સૈની નામના એક સિક્યોરિટી રિસર્ચરે આ બંને એપના સોર્સ કોડનું એનાલિસિસ કરીને તારણ કાઢેલું કે બંનેના અમુક કોડ્સ તદ્દન સરખા છે. શરૂઆતના તબક્કે TicTic એપના પાકિસ્તાની ફાઉન્ડર ઈરફાન શેખે સામે ચાલીને મીડિયાને પોતાના મિત્રોં એપ સાથેના કનેક્શનની વાત કહેલી. જોકે હવે એણે પણ ચુપ્પી સાધી લીધી છે.
એટલે મિત્રોં એપના સ્થાપકોના મતે તો એમની એપ એકદમ સ્વદેશી જ છે અને બેંગલુરુમાં એક નાનકડી ટીમે તૈયાર કરી છે. હવે ઝડપથી તેઓ પોતાની એપનો વિસ્તાર કરી રહ્યા છે.
તેમની એપ ટિકટોક જેવી કેમ લાગે છે તેના જવાબમાં મિત્રોં એપના ફાઉન્ડર્સ શિવાંક અને અનિશે આપેલો જવાબ કંઈક આવો છે કે, એમણે કોઈ એપની કોપી નથી કરી. આ પ્રકારની શોર્ટ વીડિયો શેરિંગ એપ્સનાં બેઝિક એલિમેન્ટ્સ એકસરખાં જેવાં જ હોય. એમના કહેવા પ્રમાણે એ રીતે જોઈએ તો બધી ઈ-કોમર્સ સાઈટ્સ એકસરખી જ દેખાતી હોય છે તેનો અર્થ એ નથી કે તે એકબીજાની નકલ કરે છે. મિત્રોં એપમાં તેમણે એક ડિઝાઈન ખરીદીને શરૂઆત કરી અને પછી તેના પર સતત ફેરફાર કરતા રહ્યા.
તમામ વિવાદ અને આક્ષેપો છતાં બે મહિનામાં એક કરોડથી પણ વધારે વખત ડાઉનલોડ થકી લોકોએ તો મિત્રોં એપમાં રસ દાખવ્યો છે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Yy68Fb
No comments:
Post a Comment